દુલા ભાયા કાગ

Dula Bhaya Kag

જેમને

કવિતા કંઠ કહેણીનો ત્રિવેણીસંગમ અને જેમના કૃતિત્વને “જૂનવટના સામર્થ્યના સુમેળવાળું નવપ્રયાણ જેનો પ્રાણ સચ્ચાઈ અને યથાભાષી – તથાકારી સૂત્ર છે.”

પ્રબોધક સ્વાતંત્ર્ય ઉષા ભવ્ય બોલી કાગવાણી.

જેવા જેવા શબ્દોથી બિરદાવાયેલ છે એવા સૌરાષ્ટ્રના લોકસાહિત્યના કબીરવડ સમા દુલાભાઈ કાગનું આખું યે જીવન એક સંત કવિ અને સાધકનું જીવન હતું.

સંત અને કવિ સમાનગુણી હોય છે. સંત આઠે પહોર સંત છે, જ્યારે કવિ કાવ્યની રચના કરતી વખતે સંત હોય છે. કવિ કાવ્યો તો અનેક લખે છે, પરંતુ તેમાંનાં ચિરંજીવ એ જ બને છે, જે સંતભાવમાં પ્રવેશીને લખાયેલાં હોય કવિ ત્રિભુવન વ્યાસે ઘણાંય ગીતો લખ્યાં, પણ ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ! ‘ અમર બન્યું. ‘ પ્રાણશંકર યોગી ‘ નામના એક બીજા કવિએ પણ ઘણું લખ્યું, પણ લોકોને હૈયે સ્પર્શી ગયું એક જ – મહેલના મહેલથી વહાલી અમને અમારી ઝૂંપડી ’. આનું કારણ એ કે આ કાવ્ય રચતી વખતે તેઓ જેટલા સંતપ્રકૃતિમાં ઊંડા પ્રવેશ્યા હશે, તેટલા અન્ય રચનાઓના સર્જન વખતે પ્રવેશ્યા નહિ હોય !

જ્યારે દુલાભાઈમાં તો આ બંને હતાં. એ તપ : પૂત સંત પણ હતા, અને સહેજ સ્ફૂર્તિવાળા કવિ પણ હતા. એ જ કારણે લોકસાહિત્યના ક્ષેત્રે એમને “અરધમાં એકલા ‘ તરીકે આપણે જોઈ શકીએ છીએ.

અભણ માવતરને ત્યાં જન્મ, જ્યાં કોઈ જ ભણેલું નહિ એવા ગામમાં નિવાસ, અને થોડું ભાંગ્યું તૂટયું ભણતર છતાં દુલાભાઈ ‘ પદ્મશ્રી ‘ જેવી ભારતકક્ષાની શ્રેષ્ઠ વ્યક્તિ બન્યા. કશી તાલીમ વિના હજારો લાખો લોકોને પોતાની કાવ્યશકિત, કે’ણી અને સાગર શા ધીરગંભીર ગળાથી મુગ્ધ કરી શક્યા, હજારો લોકો પર પોતાના વ્યક્તિત્વની છાપ ઉપસાવી અને એથીય વધુ લોકોને જીવનના સુપંથે વાળી શક્યા. એ બધાને શું નાનું કાર્ય માની શકીશું ?

સ્વ. મેધાણીજીએ લખ્યું છે : “મારી નજરે દુલાભાઈની ખરી કવિતા એમના જીવનપંથમાં પડી છે.” એ આદર્શ અને ઉપાસનારત જીવનપંથ અને એ પંથે પ્રવાસ કરતા ટપકેલ કાવ્યમધુ અંગે પ્રસંગોપાત એમણે પોતે પોતાની જ કલમથી જે કંઈ લખ્યું છે, તે એમના જ શબ્દોમાં અહીં સંકલિત કરવા પ્રયાસ કર્યો છે.

દુલાભાઈના પિતા પોતાની બહેન વિધવા થતાં તેની ખેડ સંભાળવા થોડો વખત સોડવદરી જઈ ને રહેલા, તે દરમિયાન વિક્રમ સંવત ૧૯૫૯ ના કારતક વદ – ૧૧, ૨૫ નવેમ્બર ૧૯૦૩ ના રોજ દુલાભાઈનો જન્મ એ સોડવદરી ગામે થયેલો.

બીજમાં હોય તો જ વૃક્ષમાં આવે. ૧૩મી સદીમાં થઈ ગયેલ બીજલ કવિ દુલાભાઈના ૩૯મી પેઢીએ પૂર્વજ થાય. માથું માગે તો માથું મળે એવી પ્રાણવાન કવિતાના એ કવિ હતા. કવિતા કરીને રા ’ ડિયાસનું માથું લઈ આવેલ. સૌએ વાહ વાહ કરી, ત્યારે બીજલ કવિ એ માથા સાથે ચિતામાં પ્રવેશેલ.

કવિ બીજલને ત્રણ દીકરા. કાગ સુર એમાં નાનો. કાગ સુરના વંશમાં શામળા કાગ થયા. સો સો ઘેાડાં ફેરવે, તલવારની રમઝટ ચલાવે, જેના ત્રાજવે બેસે એને તારી દે.

કાગ સુરની ૩૬ મી પેઢીએ ઝાલા કાગ થયા, ગીર માં રહે, ઢોર ચારે. દુકાળમાં ઢોર સાફ ! ખાવા ટંકનાં ઠેકાણાં ન મળે. આવા ગરીબ ઝાલા કાગને કોણે દીકરી દે ? બત્રીસ – તેત્રીસ વર્ષની ઉંમરે પંડ રળે ને પેટ ભરે એ સ્થિતિમાં ઝાલા કાગ મજાદર ગામે આવ્યા.સાથે ઘરવખરીમાં બે ભેંસ ને એક પાડો, એ જ એનાં રાજ ને પાટ ! પાડા પર ઘરવખરી, અને ભેંસ પર આજિવિકા !

અહીં ચારણની એક ગીયડ અરડુ શાખનાં ૨૫ ગામ. પણ નિયમ એવો કે એક શાખમાં દીકરી દેવાય નહિ, દીકરી લેવાય નહિ. મજાદરનો જહો અરડુ જાણીતા ભડ માણસ. એ ગઢવીની નજરમાં ઝાલો કાગ વસી ગયો. એણે એને ૪૦ વીધાનું ખેતર ને દીકરી દીધાં. એના દીકરા ભાયા કાગ દુલાભાઈના પિતા, સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરકાંઠે આવેલા પોર્ટ આલ્બર્ટ વિકટર નજીકના ‘ પીપા પાપ ન કીજીએ ’ નો ઉપદેશ આપનાર પીપા ભગતે સ્થાપેલ પીપાવાવના પ્રસિદ્ધ મંદિરથી દોઢેક માઈલના અંતરે આવેલું સત્તર ખોરડાની વસતીવાળું “મજાદર ” એ એમનું વતન.

વ્યક્તિના ઘડતર અને ચણતરમાં માતા – પિતાના સંસ્કારો, બાળપણના ભેરુબંધા, આસપાસનું વાતા વરણ, એમાંની નદીઓ, ડુંગરા, મંદિરે આ બધાંને ફાળો હોય છે.

બાળપણની એમની તીવ્ર જિજ્ઞાસાવૃત્તિને પોષણ મળેલું વાર્તાઓમાંથી. ભાયા કાગ પણ વાર્તા સારી માંડી જાણતા. અવારનવાર આવતા મહેમાન ચારણો, બારોટોની વાર્તાઓ પણ કિશોર દુલાભાઈ રસથી સાંભળતા.

વિકટરની નિશાળ એ એમની નજીકની શાળા તેમણે લખ્યું છે : ” હું ગુજરાતી પાંચ ચોપડી વિકટરની નિશાળે ભણેલે.”

” તેર વરસની ઉંમરે હું ગાયો ચારતો હતો, મારા પિતાશ્રીને ત્યાં સાઠેક ગાયો હતી, ભેસો પણ ત્રીશેક હતી. મને નાનપણથી જ ગાયો ચોરવાને શોખ લાગેલો. પગમાં જોડા વિના અને માથે પાઘડી વિના હું ગાયો ચારતો. મજાદરમાં ચરાણની તાણ જેથી પીપાવાવ, ઝોલાપર એ ગામની સીમમાં પણ ગાયો ચરવા જતી. આખો દિવસ મારે વગડામાં જ વસવાનું હતું.

રામાયણનું પુસ્તક સાથે લઈ જતો અને આખો દિવસ વાંચતો. રામાયણ મને તો હાડોહાડ પહોંચી ગયેલ છે. નાની ઉંમર એટલે ગાયે પછવાડે ચાલી ચાલીને પગ થાકી જાય. પાણી પણ કુવામાંથી સીંચીને જ પાવું પડે. જો કે મારા પિતાએ ગાયા ચારવાની ફરજ મને પાડેલ નહિ, એ તો મારો શોખ હતો. “

“મારા પિતાશ્રી તે એ વાતથી નારાજ હતા. કારણ કે ઘરને વહીવટ ઘણો મોટો હતો. પાંચ સાંતી અમારે ઘેર ચાલતાં. નાનાં – મોટાં ઘડાં, ભેંસ, ગાય, ઊંટ, બકરાં, બળદ થઈને સવા સો જેટલાં માલઢોર હતાં. વહેવાર પણ ખૂબ વધારેલ. આસપાસમાં સંબંધ પણ ઘણા. મહેમાનો પણ ઘણા. મહેમાનો પણ એક દિવસ ન આવ્યા હોય એવું બનતું નહિ.

મારા પિતાશ્રી એ વખતના એક અડીખમ માણસ ગણાતા. એ વટદાર માણસ હતા. પોતાની શેહ બીજા માણસો પર પડે એવું એમનું વર્તન હતું. એ વખતમાં ઢોરની ચોરીઓ ઘણી જ થતી. કોઈ ગરીબનું ઢોર ચરાઈ જાય, એટલે તુરંત જ તે ધા નાખતો મજાદર આવે. મને બરાબર યાદ છે કે, એ વખતે વાવણી ચાલતી હોય કે લાણી ચાલતી હોય, અથવા ઘરમાં કોઈ બિમાર હોય, તે બધું છોડીને મારા પિતા તુરંત જ ઘોડા પર ચડતા, અને એ ગરીબના ઢોરનો પત્તો ન લાગે ત્યાં સુધી એ પાછા ઘેર આવતાં જ નહિ. એમનાથી મોટા મોટા ભારાડી માણસા પણ બીતા હતા. તેમ એવા એવા માણસો સાથે તેઓ સંબંધ પણ રાખતા હતા.

પિતાશ્રીની દિશા એ હતી જ્યારે મારી દિશા ગાયો ચારવાની અને રામાયણ વાંચવાની. એટલે એમના મનમાં મને જોઈ હર વખત ખેદ થતો.

મારી આસપાસના જગતમાં સાંગણીઆ, કંટાળા વગેરે ઠેકાણાં એવાં હતાં, કે જ્યાં સ્નેહીઓને અથવા કઈ પણ માણસને નીમ હોય તે પણ જબરદરતીથી દારૂ પાવામાં આવતો હતો, એમાં મોટાઈ મનાતી. “

દુલાભાઈના પિતાએ દુલાભાઈને દારૂ – માંસ પીતાં – ખાતા કરવાનું કામ સાંગણિયાના એક સંબંધી હીપા મોભને સોંપ્યું.

કાગ બાપુ લખે : ” હીપો મોભ મારા પિતાને કાકા કહેતા. પણ ઘણો જ સુખી માણસ. બાર સાંતી હંકાવે. બસો જેટલાં માલ – ઢોર રાખે. ઊંચી જાતના પંદર તો ધેડા એને ત્યાં બાંધ્યા રહેતા. “

” રાત્રે મને એણે બોલાવ્યો. પાદરમાં આવેલા અમારા ખેતર માં જઈ અમે બન્ને બેઠા. ધીરે ધીરે એણે વાતની શરૂઆત કરી. મેં એને એટલું જ કહ્યું કે, ‘ ભલા માણસ ! તમારે અને અમારે ત્રણ પેઢીનો સંબંધ છે અને તારા જેવા ભડ માણસના મોંઢામાંથી મને એક બાળક જેવા માણસને દારૂ પાવાના શબ્દો નીકળે, તે સારી વાત ન કહેવાય. સ્નેહી તો તે જ કહેવાય કે જે ખરાબ રસ્તેથી સારા પાટે લઈ જાય. વળી તું આહીરનો દીકરો અને મને, ચારણને દારૂ પાવા ઊભો થયો, એ તને શોભતું નથી. ’ મારા એટલા જ વેણની એને ઊંડી અસર થઈ ગઈ.

‘ મારા પિતાને એણે તુરત જ કહ્યું કે, “આ ચામડું આળું નથી, રંગાઈ ગયું છે. માટે હવે એને આપણે પથે ચડવાનું કહેવું તે વ્યર્થ છે અને પાપ છે.”

ત્યાર પછી પણ દારૂ પાવા બાબતે મારા પર ઘણીયે ઘડીઓ વીતી ગઈ અને હીપા મોભ સાથે મારી મિત્રતા દા ‘ ડે દિવસે વધતી ગઈ. ‘

હું કવિતા બનાવતાં તો શીખી ગયો હતો એટલે મનમાં એક નવો શોખ જાગ્યો હતો, કે કઈ દરબારની કવિતા કરવી અને ઈનામ – અકરામ લેવું. ફરવા જવું, સારા સારા દરબારને ત્યાં જવું પણ એ કાંટો ફૂટયો, ત્યાં જ મારા બાળમિત્ર હીપા મોભે એને મૂળમાંથી જ ખોદી નાખ્યો.મને બોલાવીને એણે કહ્યું : “તારે કોઈ દિવસ કયાંય પણ પૈસાની માગણી કરવી નહિ. આપણું ઘર એક જ કહેવાય, માટે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે સાંગણિયે ચાલ્યા આવવું. ભાયા કાગનો દીકરો ડેલીએ ડેલીએ ભટકે, એ વાત સારી ન કહેવાય.

હું સાંગણિયે મહિનાના મહિના રહેતો. રામાયણ મહાભારત વાંચ્યા કરું, પ્રભુમરણ કર્યા કરું, અને મુસાફરીએ જવું હોય ત્યારે પૈસા ત્યાંથી લઈ જાઉં ‘. મારી અયાચકતાનું મૂળ કારણ હીપો મોભ છે, કારણ કે નાનપણથી માગવાનો છંદ મને લાગ્યો હોત, તો કોણ જાણે આજે હું ક્યાં હોત !

હસતાં કે ગમ્મત કરતાં એ આહીર કોઈ દિવસ ખોટુ બોલતો નહિ, અને જે બોલ્યા હોઈ એ એ પાળવું જ જોઈએ, એ એનું જીવનતત્ત્વ હતું. મારાં આચરણ એને બહુ જ ગમી ગયાં હતાં એટલે અમારી મિત્રતા હાડોહાડ સુધી પહોંચી ગઈ હતી. પછી તો એમને ઘેર જવા માં બાઈઓ અને બહેને મારી લાજ પણ કરતાં નહિ.

મારે અને હીપા મોભને નવ વરસ સાથે રહેવાનું બન્યું, અને જ્યારે જોઈએ ત્યારે એ એક જ માણસ હતા કે જે મારી બધી જરૂરિયાતો પૂરી પાડતા. એટલે હું મોટો થયા ત્યાં સુધી બીજે ઠેકાણે મારે ભટકવું પડયું નહિ.

દુલાભાઈ કહેતા : “ભક્તિમાં મન તો સમજણો થયો ત્યારથી લાગી ગયેલું. પોષ મહિનો અને વદ તેરસ હતી, ગમે એવો ઠંડો વાયુ વાતો હતો, ઝોલાપરીમાં નાહીને બહાર આવ્યો ત્યાં કાંઠે એક તેજસ્વી સંત ઊભેલા દીઠા. ભવ્ય લલાટ, ભગવી કંથા : એમણે પૂછ્યું : ‘ બેટા, તારે કવિતા શીખવી છે ? ‘ મેં હા કહી. એમણે મારો પરિચય પૂછળ્યો, નાત પૂછી. મેં એને બધું કહ્યું. તેઓ કહે “ચાલ, મારી સાથે. તને એરુ વીંછીના મંતર શીખવું. ‘

‘ મારાથી એમ ન અવાય. મારા બાપ ખીજે ! મારી આ ગાવડિયું મારી વાંભ વિના ઝોકમાંથી બહાર પગ ન મૂકે. ’ મેં કહ્યું.

મરક મરક હસતાં એ કહે : “તારી ગાયું ને તારાથી સવાયો ગોવાળ મળે ને તને તારો બાપુ પંડે મને સોંપી જાય તો ?

” દુલાભાઈ ઘેર ગયા. એક ભાભો ગોવાળનું કામ માગવા આવેલે, દુલાને જોઈને બોલ્યા : “આ ગાયું છોડવી છે તારે ? ’ ‘ હા ’ સાંભળી બાપને પણ નવાઈ લાગી.

બાપ – દીકરો મુક્તાનંદજી પાસે પહોંચ્યાને આપા ભાયાએ દુલાભાઈને એ સંતના હાથમાં સોંપ્યા.

દુલાભાઈનું અટકેલું ભણતર પુનઃ શરૂ થયું. એમણે વિચારસાગર, પંચદશી ગીતા મોંઢે કરવા માંડયાં અને એક દિવસ કહે : “મારે કચ્છ ભૂજ જવું છે. ત્યાંની ગોરજીની પિંગળ પાઠયશાળા – પોષાલમાં કવિ પાકે છે.”

મુક્તાનંદજીએ બે હાથ લાંબા કરી કહ્યું : ‘ અહીં જ ભૂજ છે, અહીં જ પોષાલ છે. ભૂજ જવાની જરૂર નથી.” એમણે કિશોર દુલાભાઈની દસ આંગળી. એમાં પોતાની દસ આંગળીઓ ભેરવી – આંખે આંખ મિલાવી. ગોઠણે – ગોઠણ અડકવા અને પછી કહ્યું : ‘ જા, સવૈયા લખી લાવ. ‘

સત્તર વર્ષની વયે કૂટેલું આ ઝરણું – આ સરવાણી પછી તો વિશાળ મહાનદ બની રહી.

ચારણ વીરરસના ગાયકો છે. પછી એ વીરત્વ કોઈ માનવીનું હોય કે અન્ય પ્રાણીનું ! ચારણકવિ તેને બિરદાવવાનો.

આસોદરના દાદાભાઈ ગઢવીએ મેધાણી સમક્ષ જેની ” ફાટેલ પિયાલાનો કવિ” તરીકે ઓળખાણ આપેલ તે દુલાભાઈ અને મેઘાણીજીનું મિલન ભાવનગરમાં શ્રી લક્ષ્મીનાથ વ્યાસને ત્યાં થયું. થોડા જ વખતમાં એ મિલન અંતરે ગાંઠયું જેવું બની રહ્યું. શ્રી મેઘાણી લખે છે કે “મારી નજરમાંથી દુલાભાઈ ચારણ, દુલાભાઈ કવિ, દુલાભાઈ ભગત, દુલાભાઈ પૂજનીય પણ મટી ગયા છે. દુલાભાઈ ભાઈ બન્યા છે. “

“તુલસીશ્યામની મુસાફરીને એક બનાવ બરાબર યાદ રહ્યો છે. નવા મહંતને ગાદી સોંપાતી હતી. બાબરિયાવાડના ગરાસીઆભાઈઓનો ડાયરો મળ્યો હતો. રોજ રોજ દુલાભાઈને કુસુંબો લેવરાવવાની ધડ ચાલતી. મનામણાંની રીતે પણ ન્યારી ન્યારી હતી. કોઈ દબાણ કરતા, કોઈ રોષ ઠાલવતા. “

આખી દુનિયામાં દુલાભાઈ નો નિવાસ છે. એમનું પોતાનું લખેલું આત્મચરિત્ર મારી સામે જ પડયું છે, ઉપર કહી તે સૃષ્ટિમાંથી દુલાભાઈ શી રીતે ઊગર્યા, જીવ્યા ને જીત્યા, તેને એમાં રસભર્યો ચિતાર છે.

પિતાના નામે દુલાભાઈની મથરાવટી મેલી ; ચારણ કોમને નામે એમનું નામ શાપ અને વંદન ની વચ્ચે સંડોવાયેલું ; ફોજદારી ગુનાઓમાં ખપે તેવા કજિયાની પણ ઘરમેળે પતાવટ કરાવી અનાડી ગ્રામ પ્રજાને કાયદાના વિનાશક શરણપંથથી પાછી વાળવાના એમના પ્રયાસે વહેમ જન્માવે ; દેશી રાજ્યોની અમલદારશાહીના આડાઅવળા વહેતા ગુપ્ત પ્રવાહો | વચ્ચે ઊભીને એમને ગ્રામહિત સાધવાની વિટંબણાઓ : આ કારણોથી દુલાભાઈ એટલે ઘણાઘણાને મન એક અકળ કાયડો !

નાનપણથી જ અધ્યામના વાયરા વાયેલા, સ્વામીઓ ને સાધુઓના સમાગમ કરેલા, પીપાવાવ અને તુલસીશ્યામ જેવાં તીર્થો જોડે દિલ જડાયેલું ; સંસ્કૃત શાસ્ત્રો અને પુરાણોનો પરિચય કરેલો તથા ગ્રામ દુનિયાની રૂઢિગ્રસ્ત જિંદગીમાં જ પુરાવું પડેલું : એવા આ માણસને સનાતની સંસ્કારના થરથરો ચઢયા હોય, એમાં શી નવાઈ હોય !

ઓચિંતાનું જાણ્યું કે દુલાભાઈના ઝડઝમકીઆ ઈદની જોડાજોડ સાદા સરલ લોકઢાળો પણ જન્મ્યા છે અને એ ઢાળોમાં એમણે નવભાવનાની કવિતા ઠાલવી છે ; એટલું જ નહિ, ખરા વિસ્મયની વાત તો એ હતી કે એમની કવિતામાં ઢેઢભંગીને – સ્પર્શ્યા સ્પર્શ્યનો દર્દભર્યો પ્રશ્ન ભેદક વાણી ધારણ કરીને દાખલ થયો છે.

“આ બધી નવી કવિતાઓ, ભાઈ ! અમારાં ગામડાંનાં લેકને ગમે છે. ડાચાં ફાડી ફાડીને એકીટસે સાંભળે છે. વચ્ચે વચ્ચે હું દાખલા દેતો જાઉં છું. આને લીધે ટેઢ – ભંગીઓ સામેની લાગણી બહુ કમી થઈ ગઈ છે.”

આ શબ્દોમાં દુલાભાઈએ પોતાની કવિતાનું નવતર ધર્મ કાર્ય સમજાવ્યું.

એ ગીતો નથી પણ ગીતોમાં ગૂંથેલી નવી આખ્યા યિકાઓ છે. ભારતવર્ષના રાષ્ટ્રભાવોને, માતૃભૂમિની મનોવેદનાને, દુલાભાઈ એ નાનાં કાવ્યાખ્યાનમાં ઉતારેલ છે. રાષ્ટ્ર – જાગૃતિનો જે ગંગાપ્રવાહ દેશમાં વહે છે, એની અંદરથી નાનીમોટી નહેર વાળીને લોકનાયકો પોતપોતાના જનસમૂહોમાં લઈ જાય છે. દુલાભાઈએ રાષ્ટ્રગંગાના એ પુનિત નીરને કાશ્યનહેરે પોતાના વતનમાં વાળી લીધાં છે. જોકજીવનનાં તરસ્યાં – તપ્યા ખેતરોમાં એ નાની શી નહેર ઝટઝટ નવો પાક નિપજાવી નાખે તેવો સંભવ ભલે ન હોય, પરંતુ એક ચારણહૃદયની કવિતા રાજદરબારી પ્રશંસાની ખાડમાં જવાને બદલે રાષ્ટ્રભાવનાના કયારામાં રેલાય, એ હરકોઈ કાવ્યપ્રેમીને ગર્વનો વિષય છે.

સાહિત્ય અને ભાષા એ તો લોકગંગા છે. એનાં વહેણ સ્વતંત્ર હોય છે. એ કોઈની દખલગીરી સ્વીકારતાં નથી. જનસમૂહે સંસ્કૃત ભાષાની સાથે સાથે જ પ્રાકૃત જનોમાં — સામાન્ય લોકસમૂહમાં – વહેતી લોક ભાષાને – પ્રાકૃત ભાષાને – પ્રાકૃત વાણીને – સાહિત્યસર્જન માટે અપનાવી. લોકસમૂહના પ્યારા એવા તે જમાનાના ચારણ કવિઓ લોકભાષા – પ્રાકૃતના પક્ષમાં જોડાયા. એમણે પોતાની સંવેદનાઓ, પોતાના વિચારો, લોકોની આકાંક્ષાઓ અને પોતાની કલ્પનાઓ લોકોને જ પ્રિય અને પરિચિત એવી પ્રાકૃત – લોકભાષામાં રજૂ કરવામાં પોતાની સરસ્વતી અને શક્તિ વાપરી અને પરિણામે જનસમૂહના એ અધિક પ્યારા થઈ પડથા.

આજે લખેલુ કાલે જૂઠું પડે. આજે નજરે જોયેલો પુરુષે વહેલી પ્રભાતે સ્ત્રી બની જાય. આજે દીસતો છત્રધારી કાલે રંક બને. આજે કેદખાને પડેલા કેદીઓ બીજે દિવસે સત્તાધીશ બને. આજના ડાહ્યા સવારે ગાંડા બને. આજના કવિ કાલે મૂર્ખતા પ્રાપ્ત કરે. આજનો પરાધીન કાલે સ્વતંત્રતાના શિખર ચડીને ગગનને સ્પર્શે. આવા ક્ષણે ક્ષણે થતા ફેરફારોમાં કાલે શું ? ગીતા શું ? અને વાર્તા શું ? એ બધાં તો સ્થિરતાનાં છોરુ છે અને કાળથી અબાધિત છે.

આ સંયોગના મંથનમાં પણ ‘ દુહા લખ અને અબાધિત લખ” એવા અંતરમાં બેઠેલ મિત્ર મેધાણીના અવાજે મને દુહા લખવા માટે હાથમાં કલમ લેવરાવી. દુહા તો લખાયા, પણ એ વાંચનાર કયાં ? સાથે સાથે પૂ. મહાત્માજીના પ્રસંગનાં ગીતા પણ મારી સમજણ પ્રમાણે લખાયા.

ભૂદાન પ્રવૃત્તિએ મને ચમક ચડાવી ; અને એ તરંગોમાં વિનોબાજી અને ભૂદાનનાં ગીતાનો ફાલ મારી ચિત્તભૂમિમાંથી ઊતર્યો. પણ પૂ. રવિશંકર મહારાજ તો મારી આરાધનાની મૂર્તિ બની ગયા. કવિ એવો છે કે એની હૃદયપાટી પર પડયા અક્ષરો એ કદી છુપાવી શકતો નથી. એ પ્રગટ થાય છે ને આમ જનતા એની માલિક બને છે.

ચારણી સાહિત્યમાં છેલ્લાં પાંચસો વર્ષના ઈતિહાસમાં કઈ અન્ય કવિ, પંડિત કે લેખકનો પગપેસારો થયો જ નથી. એવું એ સાહિત્ય છે. વેદોના સંસ્કૃતનું વ્યાકરણ જેમ બીજા સંસ્કૃતથી જુદુ છે, તેમ ચારણી સાહિત્યના મર્મો, માપ, છંદો, ગીતો, પિંગળ અને શબ્દજોડણી સાવ જુદાં જ જણાય. ચારણી સોરઠા, દુહા, સપાખરાં અને સાવજડાં ગીતો બીજા કોઈ કવિઓ હજી સુધી લખી શકયા નથી. એ જાતનો સાચો કે ખોટો પણ ચારણ કવિઓને એક પ્રકારનો ગર્વ છે.

અદ્દભુત કાવ્યશક્તિનો સ્વામી છતાં એમનું નિરાભિમાનીપણું તે જુઓ :

“નાગર ન હૈ મેં કાવ્યસાગર ન હો મેં કાગ ‘
– હુ શહેરમાં રહેવાવાળો ચતુર પુરુષ નથી, હું કાવ્યસાગર પણ નથી. પરંતુ હું તો —

“ગૌવન ચરાતા લકુટીકો કર ધારિકે”
” કાનન ફિર્યો મેં નામક આરોગ્યે સદા”

“ગાયે ચારનાર ચારણ છું. ઉઘાડે પગે અને ઉધાડે માથે ચારતો એ સેવાનું ફળ મને કાવ્ય પ્રસાદીરૂપે મળ્યું જણાય છે.”

૧૯૬૮ પછી એમનું શરીરસ્વાથ્ય કથળ્યું. જો કે એમની માનસિક સ્વસ્થતા તો છેક છેલ્લે સુધી અણીશુદ્ધ ટકી રહેલી. બેઠા હોય તો કોઈને લાગે નહિ કે બાપુ બિમાર હશે. વાત કરે ત્યારે પણ એ જ રણકો.

આ જાજરમાન જીવનને સંવત ૨૦૩૩ના ફાગણ સુદ ૪ તા. ૨૨ ફેબ્રુઆરીના ૧૯૭૭ના રોજ અંત આવ્યો એમ તો શી રીતે કહેવાય ? કવિઓ એમનાં કાવ્યો દ્વારા સદાય જીવંત હોય છે. બાપુના કાવ્યનંદ એટલો વિશાળ છે કે તેનાં નીર એમ ખૂટવાનાં નથી.

જમ, દડ, જમૂવાન, નલ નીલ, અંગદ, સુગ્રીવ નો રહ્યા
પણ જો ને હનુમાન, એ તો કાયમ બેઠો “કાગડા”

Follow Us

Download Our Mobile App

© 2020 | કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ

Designed & Developed By : Shopza Web Services

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો