૯૯. કો’ક હનુમાન
માણસનાં પોતાનાં ફળરૂપી દુઃખનો વરસાદ જ જ્યારે વરસવા લાગે છે ત્યારે એને કોઈ અટકાવી શકતું નથી ; એટલું જ નહિ પણ ફક્ત છત્રી બની વરસાદનો છાંટો ન પડવા દેવો , એટલું રક્ષણ પણ કોઈ કરી શકતું નથી .
મહારાજ દશરથના મરણ સમયે ચાર પુત્રોમાંથી એક પણ ત્યાં હાજર ન હતો .
થાપણનો થરને પરમેશ્વર દશરથ દીકરાને ,
કાંધ ન આપણે નવાં કપડાં સંઘરી રાખીએ છીએ તે થાપણનાં કપડાં કહેવાય છે . એ કપડાં આપણે જ પહેરી ફાડવાનાં હોય છે . મહારાજ દશરથે પણ થાપણમાં શાપ સંઘરી રાખેલ . તે તેમણે પોતે જ ભોગવ્યો . ભગવાન રામને વનવાસ મળ્યો . ભરત જેવા ભક્ત બંધુ હતા . અયોધ્યાના રાજની મોટી ફોજ તૈયાર હતી ; દેશ બધો શૂરવીર તેજસ્વી માનવીઓથી ભરપૂર હતો . પણ શ્રીરામે જ્યારે લંકા પર ચડાઈ કરી ત્યારે એમાંથી એકે એમની મદદમાં ગયેલ હોય એમ રામકથા કહેતી નથી . વશિષ્ઠ ઋષિ જેવા જ્યાં સલાહકાર હતા , જેની પાસે ઋષિઓ ઉપદેશ ગ્રહણ કરતા , એવા મહારાજા જનક જેવા પિતા હતા , છતાં સીતાજીને જ્યારે વનમાં મોકલ્યાં ત્યારે કોઈ કંઈ બોલ્યું જ નહિ . એ તો ઠીક , પણ પિતા , ભાઈ કે અયોધ્યાનું એક પણ માણસ જાનકીજીના ખબર કાઢવા વનમાં ગયું ન હતું . સીતાજી વનમાં ગયાં એટલે ગુજરી ગયાં , એવું માની બધા સૌ સૌને ઘેર લહેર કરતા હતા . દુઃખના સમયે કોણ આશ્વાસનરૂપ બને છે ? કોઈક ભગવાન રામ જેવા જ માતા કૈકેયીને સૌ પ્રથમ પગે પડે અને એમનો શોક ટાળે , એમના અપરાધને વરદાન બનાવી દે . એવા મહાપુરુષો ભગવાન તરીકે પૂજાય છે . રામને સંકટ સમયે મળેલા હનુમાન પણ એ જ ઉચ્ચ કોટિના છે .
( કર મન ભજનનો વેપાર જી – એ રાગ )
આવે જ્યારે વિપત્તિનો વરસાદ જી . વિપત્તિનો વરસાદ પછી એનો કોઈ ન સાંભળે સાદ..આવે – ટેક .
રામ વિયોગે દશરથ રાજે , રચ્યું રામનું નામ જી ( ૨ ) ;
આતમ પંખી ઊડી ગયો તોય ( ૨ ) ,
છેવટે ન મળ્યો રામ – આવે -૧ .
રાઘવ માથે દુઃખ પડ્યાં તે દી ‘ માનવી નાવ્યાં કામ જી ( ૨ ) ;
પ્રભુ માનીને પૂજે હવે પછી ( ૨ ) , રટે દુનિયા રામ . આવે -૨ .
વશિષ્ઠ જેવા કુળગુરુ જેને જનક જેવો તાત જાનકીને વનમાં જાતાં ( ૨ ) ,
કોઈએ ન ઝાલ્યો હાથ … આવે -૩ .
કૈકેયી માતાને સંકટ સમયે , ભેટ્યા જેમ ભગવાનજી ( ૨ ) ;
‘ કાગ ’ કહે કે દુઃખને ટાણે ( ૨ ) , કોઈ મળે હનુમાન – આવે -૪ .
( લીંબડીથી વળતાં ટ્રેનમાં , તા . ૨૩-૧૨-૫૪ )