હૈયા ઉકલત , અભ્યાસ અને આચરણ આપણને ભગતબાપુના સર્જનોમાં જોવા મળે છે .
ભૂદાનમાળા ‘ કવિ કાગના હૃદયમાં પડેલા વિનોબાવિચારના પડઘા છે . ભૂમિ અને સંપત્તિનું દાન કર્યા પછી તેમણે ભૂદાનનાં ગીતો લખ્યાં છે . જુગતરામભાઈએ લખ્યું છે તેમ ત્યાગમાંથી ભક્તિ પ્રગટી છે . એટલે તેમનાં ગીતોમાં પ્રગટેલો ભક્તિરંગ પાકો છે . કેટલા કવિઓ કાવ્યનું સર્જન કરતાં પહેલાં આટલી તપ સાધના કરતાં હશે ? ભૂદાનમાળાના ૧૦૮ માં ગીતની છેલ્લી કડીઓ છે .
કુબેર ધ્રુજીયો ને કુંચીયું ફેકીયું રે …
‘ કાગ ’ કીધા મૈયારા ભંડાર ….
ભૂદાનમાળા પહેલા કાગવાણીનો પાંચમો ભાગ ‘ બાવન ફૂલડાંનો બાગ ‘ નામે પ્રસિદ્ધ થયો . આ ભાગમાં ભગતબાપુએ તેમના જીવનમાં અનુભવેલા સત્યો , ઉપરાંત ધર્મશાસ્ત્રો અને સંતપુરુષોના અનુભવ વચનો એકત્ર કર્યા છે . આ ગ્રંથના એકે એક વચનોમાં જીવને ઉન્નત બનાવે એવા ઉમદા વિચારો પડેલા છે . એવી જ રીતે ભૂદાનમાલા પછી સર્જન થયું ‘ કાગવાણી ‘ ભાગ ૬ નું , આ ભાગ “ મા ” નામે પ્રસિદ્ધ થયો . આ સર્જન વિશે શું લખવું – શું ન લખવું પરંતુ આપણે ત્યાં એક લોકરિવાજ છે કે કોઈ સંબંધી ઘરે આવે ત્યારે ઘરનો સ્ત્રી વર્ગ સૌ પ્રથમ એનાં દુઃખણાં લે અને ત્યારબાદ બીજી આગતા સ્વાગતા કરે . અહીં ભગતબાપુએ માતાજીના દુઃખણા લેવાની વાત કરી છે . શું કલ્પના છે ? !
ભેળીયાળી તારા ભામણાં !
માડી તારાં વારણાં લઉં વીશ ભૂજાળી રે … ભેળીયાળી
માડી કૈક કોઠાના પડેલા ખાલી કોડીયાં ,
માડી , એમાં દીવડાની જગવી તે જ્યોત રે … ભેળીયાળી
માડી , તારી દયાનો દીવડો રે જીવડો કાગનો ,
કોઈના કેડાને અજવાળી ઓલવાઈ જાય રે … ભેળીયાળી
આમાં આધ્યાત્મિક અનુભૂતિ સ્પષ્ટપણે ઊપસી આવે છે . ચારણો મુખ્યત્વે વીરરસના ગાયકો છે . તેઓ કરુણરસ કે શૃંગારરસ ગાય તો તેમાં પણ વીરરસની છાંટ આવવાની . વીરરસ એક એવો રસ છે જેને ઈશ્વર સાથે જોડ્યા વિના ચાલતું નથી અને એટલે કદાચ ચારણોમાં વીરરસની સાથે સાથે ભક્તિ પણ વહી હશે . આ ગ્રંથમાં અસલી ચારણી ઢબનાં છંદો અને ગીતો આપણને જોવા મળે છે . ‘ મછરાળી મોગલ ‘ , ‘ આઈ અન્નપૂર્ણેશ્વરી ’ , ચામુંડા રાસ રમે ‘ , ‘ વિકરાળ ચામુંડા ’ અને ‘ વીશહથી વાઘેશ્વરી ’ મુખ્ય છે . વિષયની દૃષ્ટિએ આ વિષય પરંપરાગત અને જૂનો છે છતાં કાગબાપુની રજૂઆત તદન મૌલિક છે .
ભગતબાપુ અને કાગવાણી વિશે લખવા બેસીએ ત્યારે એક પ્રશ્ન સતત તમને સતાવ્યા કરે શું લખવું શું ન લખવું ? કાગવાણીના ક્યા કાવ્ય વિશે લખવું અને કયા વિશે ન લખવું . ભગતબાપુના દરેક ગીત તેના સ્થાને શ્રેષ્ઠ છે . દરેક ગીત પર પાનાં ભરીને લખી શકાય તેમ છે . એટલે હવે સ્મરણપટ પર અથડાઈ રહેલ રાજકોટના આપાભાઈ કાળાભાઈ ગઢવીના દુહા સાથે વિરમું છું