૫. ભેળીઆળી .
( ધદાજીનો માંડવો … એ રાગ )
ભેળીઆળી તારું ભામણાં !
માડી , તારાં વારણાં લઉં વીશ ભુજવાળી રે . ભેળીઆળી ટેક .
માડી ફેંક , કોઢનાં પડેલાં ખાલી કોડિયાં , માડી , એમાં દિવડાની જગવી તે જ્યોત રે … ભેળીઆળી . ૧
માડી , તેં તો ઉજ્જડ ઉઘાડ્યા જૂના ઓરડા ,
માડી , એને રૂદિયે વસાવા સીતારામ રે … ભેળીઆળી . ૨
માડી એવા ભવના ભૂલેલા એદી આતમાં ,
માડી , એને ખોળલે ખેલાવી પંથડા ચીંધ્યા રે …. ભેળીઆળી . ૩
માડી , એવા ભવના ભૂલેલા એદી આતમાં ,
માડી , એને ખોળલે ખેલાવી પંથડાં ચીંધ્યા રે …. ભેળીઆળી . ૪
માડી , તે તો ખારાં ખેતરડાંને ખેડિયાં ,
માડી , એમાં લીલીયું મોલાતું લેર્યે જાય રે … ભેળીઆળી . ૫
માડી , તારે ધીંગા ધમળા રે ધોરી ધોંસરે ,
માડી , તારાં ખેતરડાં કૂડિયાનાં કાળજાં જેવાં રે … ભેળીઆળી . ૬
માડી , તારાં ગોરસડાં ઊજળાં કરણી સંતની ,
માડી , તારાં વલોણાં ઘૂઘવે રે પેલે પાર રે … ભેળીઆળી . ૭
માડી , તારાં સબદ મોતીડાં મોંઘાં મૂલનાં , એને કોઈ બાંધશો નહિ કામળની કોરે રે … ભેળીઆળી , ૮
માડી , તારી દયાનો દીવડો રે જીવડો કાગ’નો , કોઈના કેડાને અજવાળી ઓલવાઈ જાય રે … ભેળીઆળી , ૯
અર્થ
ચારણોના અપાર હેતના આ જુનવાણી શબ્દો છે : ‘ તારાં ઘાંઘળાં લઉં ‘ ઘાંઘળાં એટલે મીઠડાં , દુખણાં . એવી જ રીતે “ ભામણાં ‘ શબ્દ પણ છે , અને ‘ વારણાં’નો પણ એ જ અર્થ છે .
જીવ જ્યારે જીવ મટે છે ત્યારે શિવ બને છે . કોઈ પણ માનવી જ્યારે પોતાના ઇષ્ટદેવ રૂપ બની જાય છે ત્યારે તે સ્વરૂપને પામે છે . એમ માનો ઉપાસક પુરુષ શક્તિની પર પહોંચી માતૃશક્તિરૂપ બની જાય છે અને માને વિનવે છે કે હે જનેતા ! તારાં ઓવરણાં લઉં છું . હે મા ! તારા ઉપર અનેક વાર વારી જાઉં છું , ઓળઘોળ થઈ જાઉં છું . કારણ કે હે જનેતા ! ઘણાંનાં હૃદયરૂપી કોડિયાં સાવ ખાલી પડેલાં એમાં મેં માણસાઈના દીવા પ્રગટાવ્યા છે . ૧
જેનાં હૈયાં ઉજ્જડ બની ગયેલાં , જેનામાં માનવતાનો એક પણ છાંટો ન હતો એવા કાળજૂના આસુરી ઓરડા ઉઘાડી એના હૈયામાં શ્રીરામ અને મા સીતાની સ્થાપના કરી તેની અલની આંખ ઉઘાડી દીધી . ૨
પડેલા સંગદોષ અને પોતાના કર્મદોષે કરીને જે સંસારમાં તદ્દન ભૂલા એવા પાપી અને પતિતો સામે કોઈ મીટ પણ ન માંડે તેવા અધમ જીવોને તેં તારે ખોળે બેસારી માનવતાનો માર્ગ બતાવ્યો . ૩
હે મા ! પાપકર્મથી જેનાં હૃદયરૂપી ખેતર ખારા ધૂધવા બની ગયેલાં એનાં ખોળિયાંને તેં મીઠાં બનાવી દીધો અને એના હદયખેતરમાં ભક્તિ , દયા , અહિંસા , શ્રમ અને સત્યનો બગીચો બનાવી દીધો . ૪
હે જોગમાયા ! તેં મહેનતથી પ્રતિષ્ઠા કરી . આજીવિકા માટે ખેતીને ઉત્તમ ગણી . ધીંગા બળદો રાખ્યા અને પોતે મહેનત કરી અન્ન ઉત્પન્ન કર્યા . હે મા ! તારા ખેતરમાં દાંત ખોતરવા જેટલું પણ ઘાસ નથી . તારા કાળા ખેતરને શી ઉપમા આપું ? માંજેલ પાટી કે કૂડા માનવીનું કાળજું ! ૫
હે મા ! તેં ગાયો અને ભેંસોનું સુંદર રીતે પાલન કર્યું છે . જાતે ઘાસ નીરવું , જાતે ખાણ દેવું , પશુની બધી બરદાસ્ત પોતે જાતે જ કરવાની . પ્રભાતે એનું ગોરસ એટલું ઊજળું લાગે છે કે જાણે કોઈ સંતની કરણી . ( આચરણ ) હે મા ! વહેલી સવારે તો તારે આંગણે છાશ તૈયાર થઈ જાય છે . ૬
હે મા ! તું બહુ બોલતી નથી . બે ચાર મોતીના દાણા સહુને ભેટ આપે છે ; આળસ તજો . મહેનત કરો . સત્ય શીખો . કોઈને દુઃખી ન કરો . વિદ્યા ભણો . હે માનવીઓ ! હે માના છોરુ હોવાનો દાવો કરનાર ચારણો ! આ ઉપદેશ મોતીને કોઈ ધાબળામાં બાંધીને ગાંઠ ન વાળશો ; નહિતર ગાંઠ છૂટી જશે અને મોતી પડી જશે . ૭
હે મા ! હું ‘ કાગ ’ તો તારી દયાનો દીવો છું . ફક્ત એટલું માગું છું કે કોઈ અજાણના મારગમાં અજવાળું કરતો કરતો ઓલવાઈ જાઉં , ભલે બંધ થઈ જાઉં . ૮