૨૫. ભોમકા સૌની તૈયારી
આ ગીતનો ભાવાર્થ એવો છે કે કોઈ એક મહાપુરુષને જોવા , એમની સાથે રહેવું , પિછાણવા , એમના સિદ્ધાંતોને અનુસરવું અને એમનામય બની જવું , એ બધા જુદા જુદા પ્રકારના ભેદ છે . કવિ આ બધા ભેદોમાંથી એકજ શબ્દનો ઉચ્ચાર કરીને એના ઉપર ભાર મૂકે છે કે , ‘ ઓળખજો . ‘ આપણી જૂની માન્યતા છે કે , આસુરી વૃત્તિના અતિરેક વખતે તેનો પ્રતિકાર કરવા માટે ઈશ્વરના અંશરૂપે કોઈ મહાપુરુષ જન્મે છે અને વિનાશપંથે જતાં માનવીઓને એ પાછાં વાળે છે . શ્રીરામ અને શ્રીકૃષ્ણને લેશ પણ પિછાણ્યા ન હતા , એવાં મનુષ્યો એમના કાળમાં પણ હતાં . આ બધા થયેલા અનુભવ ઉપરથી જગતનાં સર્વ માનવીઓને કવિ કહે છે કે : “ ઓળખજો , આ બાવો અવતારી .”
સંત વિનોબા આત્માની જીભથી બોલી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે ‘ આકાશ , પૃથ્વી , તેજ , જળ અને વાયુ – પંચભૂતોનો કોઈ માલિક ના હોય . સૂર્યે ખારા પાણીને સમુદ્રમાંથી ખેંચીને મીઠાં બનાવ્યાં અને મેઘને સોંપ્યાં . મેઘે પ્રાણીઓનાં જીવન માટે તે જળને વરસાવ્યાં . એ પાણી ભરીને મનુષ્ય ગોળામાં નાખ્યાં . એની કંઈ પણ કિસ્મત આપી નથી . માટે હાંડો . ને ગાગર એ ભલે તમારાં હોય , પણ એ પાણી કોઈની મિલકત નથી . હે માનવીઓ ! દીવાસળીનો સંઘરેલો અગ્નિ કે જામગરીમાં પડતો તણખો ક્યાંથી આવે છે ? એની માલિકી કોની છે ? ચૂલામાં ભારેલો અગ્નિ એ પણ તમારો નથી . કારણ કે તમે એનો સ્પર્શ પણ કરી શકતાં નથી . આ તો જીવન જીવવા માટેની ઈશ્વરી બક્ષિસો છે . હા , તમારી માલિકી રાખ પર હોય તેમ બને ખરું . ચોતરફ વંડો બનાવીને મોટી ડેલી મૂકીને તમે એમ નક્કી કર્યું કે , ફળિયાની અંદર રહેલું આકાશ તે તમારી માલિકીનું છે . પણ એ ભ્રમ છે , કારણ કે જીવન જીવવા સિવાય એ આકાશનો તમે કંઈ ઉપયોગ કરી શકતા નથી . એટલે કે તમારી કબજો તમે આકાશમાં કર્યો છે અને તમે આકાશ કબજામાં લાવ્યા છો , એ વાત મિથ્યા છે . હે માનવીઓ ! દોરી . અને પંખા દ્વારા પવન મેળવવાની તમે ગોઠવણ કરી એ બધી ચતુરાઈ અને હોશિયારી તમારી છે , એ વાતને હું કબૂલ કરું છું . પણ તમે પવનના માલિક નથી . તમે પવનના ખરેખર માલિક હો , તો તમારા શ્વાસમાં આવતા પવનને પાંચ – સાત મિનિટ હૃદયમાં રોકી રાખો , તો જ તમારો માલિકીહક્ક સાબિત થાય . પણ એ માલિકીહક્ક પુરવાર કરવામાં રખે ને પવન ભેળો પવન ન મળી જાય મૃત્યુ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો . આકાશ , પૃથ્વી , તેજ ,
જળ , વાયુ – એ બધાં તત્ત્વો પ્રાણીઓને જિવાડવા માટે છે , એમનો માલિક ભગવાને છે . કૃત્રિમ વીજળી વગેરે સાધનો બીજાને આપીએ છીએ , ત્યારે અમૂલ્ય એનું વળતર લઈએ છીએ ; તેમ પ્રકાશ , વરસાદ અને પવન જેવી વસ્તુઓ વાપરવાની કિંમત જો ઈશ્વર માગે , તો કેટલી થાય ? પણ આવી અમૂલ્ય વસ્તુઓ આપનાર – આવા દીનદયાળ ભગવાનની બક્ષિસો જેવી વસ્તુઓ સાથે માલિકીહક્ક જમાવવો , એ કેટલું ભયંકર છે , તેનો વિચાર કર્યો ? ધરતીનો ધણી તો ભગવાન છે અને ધરતી એ પ્રાણી.ઓ.ની માતા છે . એનું ધાવણ ધવાય , પણ એના ધણી ન થવાય . ‘ અવતારી પુરુષ , વિનોબાજી પુકારી રહ્યા છેકે : “ ભોમકા સૌની તૈયારી . ”
( ભોજા ભગતના ચાબખાનો – હીંચનો – રાગ )
આ બાવો અવતારી ઓળખજો .. આ બાવો અવતારી .
ભાખે છે એ તો “ ધરણી નથી તમારી ’ ઓળખજો . ટેક
દરિયે દીધાં … સૂરજે લીધાં … મેઘ વરસાવ્યાં વારિ …. ( ૨ ) ,
એ … ગોળામાં નાખ્યાં … નથી તમારાં , ગાગર ભલે હોય તમારી ઓળખજો …. ૧
કોની દીવાસળી ? કોના દેવતા ? ક્યાંથી આવી ચિનગારી ? … ( ૨ )
એ … ભારેલો અગ્નિ … નથી તમારો … ભભૂતિ ભલે હોય તમારી ઓળખજો … ૨
ફળિયામાં તમે પૂરેલો આભને …. આડી ડેલી ઉતારી … ( ૨ )
એ આભ ઊંડળમાં … કોને ન આવ્યું.ભૂલ કરેલી તમે ભારી ઓળખજો .. ૩
કોની ભોમકા ? કોણે બનાવી … કોણ રહ્યું છે એને ધારી … ( ૨ )
એ … ‘ કાગ ’ કહે તમે આજથી માનજો કે ભોમકા સૌની તૈયારી ઓળખજો …. ૪
( ભજાદર , તા . ૨૧-૭-૫૬ )