હાલો મેળે

૧o હાલો મેળે 

ભાદરવી અમાસનો શ્રી ગોપનાથજીનો મેળો ભરાય છે . એક નિર્દોષ કોળણ બાઈ પોતાના મનને ગમી ગયેલ એવા એક આદમી પર મોહી પડી છે . દરેક મેળામાં એ અજાણ્યો આદમી આવે છે . એની પાઘડીના બંધ બેસતા આંટા , એના માથાનાં વાંકડિયા ઓડિયાં , એના ઘોડાની નાજુક ચાલ , એની મોરલીનો રાગ , એના જોડિયા પાવાની ધૂન , ઈશ્વરે આપેલાં એનાં સાદાં રૂપ , એનાં અસલી વાજિંત્ર , કંઈ પણ ઓળખાણ સિવાય એ બધું એના મનમાં ગમી ગયેલ છે . આખા વરસમાં એ એક જ દિવસ છે કે જે દિવસ તે ઝાઝાં માનવીને જોઈ શકે , જે દિવસે નવાં કપડાં – ફક્ત એક જ જોડ સિવડાવી શકે અને સાથે તળેલાં ઢેબરાંનું ભાતું લઈને મેળે જાય . એની જિંદગીનો એ આનંદનો દિવસ આનંદમાં અને આનંદમાં એના મોઢામાંથી બીજી બાઈઓને સંબોધતું આ ગીત સરી પડે છે . છેવટે એ સ્ત્રી આ મનગમ્યા માનવી જેવા દીકરાની શિવજી આગળ માગણી કરે છે .

હાલો હાલો , માનવીઓ ! મેળે

હાલો હાલો ; મનખડાં ! મેળે

મેળામાં મારા મનના માનેલ છે ટેક

ઈ રે મેળામાં એક આંટીઆળી પાઘડી ( ૨ ) ;

એ …. એના ઓડીના ઠાઠ પર તનડાં ઓવારું –

હું મનડાં નીચોવું . માનવીઓ ૦ ૧

ઈ રે મેળામાં એક ઘોડલાં ઘુમાવતો ( ૨ ) ;

એ …. એના ડાબલાના તાલ મારાં હૈડાં હસાવે મારાં મનડા નચાવે . માનવીઓ ૦ ૨

ઈ રે મેળામાં એક મોરલડી વાગતી ( ૨ ) ;

એ …. એના મોરલીના રાગમુને વાદણ બનાવે કોઈ જોગણ બનાવે . માનવીઓ ૦ ૩

ઈ રે મેળામાં એક પાવાની ધૂન છે ( ૨ ) ;

એ એના પાવાના સાદ ઘણા મીઠા વરસે દીઠા . માનવીઓ ૦ ૪

ભોળા શંભુજી ! મારી અરદાસું સાંભળો ( ૨ ) ;

એ … તમે સાંભળીને ધ્યાનમાં લેજો છોરુ એવાં દેજો . માનવીઓ ૦ ૫

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો