જોગમાયા સાંભરે

૮. જોગમાયા સાંભરે 

( આરતી કરું મારા હરિ ગુરુ સંત – એ રાગ ) રે ! 

સોનલ એટલી સાંભરે , 

જોગમાયા એટલી સાંભરે , 

મી હું તે આરતી કરું ને, 

ઉપદેશ પાળું રે ! સોનલ . 

માડી તારો મધથી મીઠો રે 

સોયલો સાદ , 

માડી . તારા દૂઘડીએ ધોયેલા . 

આવકાર રે ! સોનલ . 

કૂડાંને કજિયા સાંભરે , લોભીને સાંભરે ધન ; 

સજ્જનને ગણ સાંભરે રે , સાંભરે જેમ વેરાગીને વને – સોનલ . ૧ 

નરસૈયાને સાંભરે , જેમ શામળિયો સરધર ; 

લંકામાં જેમ સાંભરે રે , જાનકીને જગદાધાર -સોનલ . ૨ 

અસુરને અખજ સાંભરે , દાનવને મદ પાન ; 

શૂરાને પણ સાંભરે રે , સાંભરે જેમ દાતારુને દાન … – સોનલ . ૩

સો સો ગાઉથી સાંભરે , જેમ જનમભોમનું ગામ ; 

મીરાંને ગિરધર સાંભરે , 

સાંભરે જેમ શબરીને સીતારામ … – સોનલ . ૪ 

કુકરમીને સાંભરે જેમ દુખાણાની દાઝ , 

જોગ જાતને સાંભરે , સાંભરે જેમ સતીને કુળની લાજ … સોનલ . ૫

ખળને અવગણ સાંભરે , એદીને જેમ ભાગ્ય ; 

સૂતા બેઠાં અને હાલતાં , સાંભરે જેમ ઊજળાંને ડાઘ .. સોનલ . ૬ 

માંદને વૈદ્ય સાંભરે , એદીને સાંભરે , એદીને જેમ ભાગ્ય ; 

આંખને મટકાં સાંભરે , સાંભરે જેમ પંખીડાને પાંખ .. સોનલ . ૭ 

સઢને પવન સાંભરે , જેમ સમદરિયાને લેર ; 

ભીડે ભેરુ સાંભરે , સાંભરે જેમ ડંખીલાને વેર … સોનલ . ૮ 

સાસરિયે સળગી રહી , આંખે અનરાધાર ;

 દુખિયારીને સાંભરે રે , એના બાપ તણાં ઘરબાર … સોનલ . ૯ 

જગતપતિને સાંભરે , પળપળ પોતાનો ધસ ; 

કાગ ને માવડી સાંભરે , જેમ ખોળિયાને સાંભરે શ્વાસ … સોનલ . ૧૦ 

અર્થ હે મા ! તું મને કેવી અને કેટલી યાદ આવે છે એનાં થોડાં દચંત અહીં આપું છું . હે મા ! તને ધૂપ દીપ કરી તારી આરતી કરું છું અને તે આપેલો ઉપદેશ કાયમ પાળું છું . હે મા ! મધથી પણ મીઠો આંટીઘૂંટી વિનાનો સોયલો અને દૂધ ધોયેલો એવો તારો સાદ મને સાંભર્યા કરે છે .

જૂઠા માનવીને જેમ ક્લેશ સાંભરે છે , લોભીને જેમ પૈસા સાંભરે છે , સજ્જન માણસને જેમ કોઈએ કરેલો ઉપકાર સાંભર્યા કરે છે અને યોગપ્રિય એવા વૈરાગીને જેમ વન સાંભરે છે એમ જ હે મા સોનબાઈ ! તું મને હંમેશ સ્મરણમાં આવે છે .

૧ નરસિંહ મહેતાને જેટલા કૃષ્ણ સાંભરે છે , અને લંકાના અશોકબાગમાં સીતાજીને ભગવાન રામ સાંભરે છે એટલી જ હે ચારણ્ય મા ! તું મને યાદ આવે છે .

૨ દૈત્યોને અભક્ષ્ય જેટલું સાંભરે છે , દાનવોને મદ્યપાન જેટલું સાંભરે છે , શૂરવીરોને જેટલું ધર્મયુદ્ધ સાંભરે છે અને દાતાપુરુષોને જેટલું દાન સાંભરે છે હે મઢડાવાળી મા ! તું મને એટલી જ સાંભરી આવે છે .

૩ હજારો ગાઉથી પણ પોતાની જન્મભૂમિ માનવીને સાંભરે છે . મીરાંને જેમ ગિરધરલાલ સાંભરે , શબરીને ભગવાન રામ અને મા સીતા સાંભર્યા કરે છે તેમ હે હમીરસધુ મા ! તું મને એટલી જ યાદ આવે છે .

૪ નીચ માનવીને કોઈના તરફથી થયેલું દુઃખ જેટલું સાંભરે છે , યતિઓને જેવી રીતે યોગ સાંભરે છે અને સતી સ્ત્રીને જેટલી બંને કુળની લાજ સાંભરે છે . હે જનની ! તું મને એવી રીતે અને એટલી જ યાદ આવે છે .

૫ જેમ મૂરખાને કોઈના દુર્ગુણ સાંભરે છે , આળસુને જેમ ભાગ્ય અને દૈવ સાંભર્યા કરે છે અને કુળવાન , લાજવાન , સત્યશીલ માનવીને પળે પળે જેમ પોતાથી થયેલી ભૂલ હૈયે ચઢે છે . હે મા સોનલ ! તું મને એટલી જ સાંભરી આવે છે .

૬ મંદવાડવાળા રોગીને જેમ વૈદ્ય સાંભરે છે , આંધળાને જેટલી આંખ સાંભરે છે , આંખને જેટલાં મટકાં સાંભરે છે અને પંખીઓને જેટલી પાંખ હૈયે આવે છે . હે કૃપાસાગરી આઈ ! તું મને એટલી સ્મૃતિમાં આવે છે .

૭ વહાણના સઢને જેટલો પવન સાંભરે છે , રત્નાકરને જેટલી લહેર – તરંગ સાંભરે છે , દુઃખને વખતે જેટલો મિત્ર સાંભરે છે અને દ્વેષી દુષ્ટને જેટલું વેર સાંભરે છે તેટલી હે જોગમાયા ! તું મને સાંભરી આવે છે .

૮ બધી જ રીતે સાસરિયામાં બળી – ઓલાણેલ દીકરીને જેમ ગમે તેવું હોય પણ માતાપિતાનું ઘર સાંભરે છે , એવી જ રીતે હે મા ! તું મને યાદ આવે છે .

૯ ભગવાનને જેટલો ભગત સાંભરે છે અને આ દેહને જેટલી વખત શ્વાસ સાંભરે છે એટલી જ વખત હે મા સોનબાઈ ! તું મને ‘ કાગ’ને હૈયે આવે છે . ૧૦

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો