માડી ! મારગ બતાવો

૬. માડી મારગ બતાવો !

ચૌદે બ્રહ્માંડ ખળભળી ગયાં .

આકાશમંડળ કંપી ઊઠ્યું .

વાયુ ભય પામી ચિત્રમાં આલેખાઈ ગયો .

સાતે સમુદ્ર થીજીને બરફની પાટ બની ગયા .

ધરતીના છેડા હમણાં જ છૂટી પડશે એમ ભય પામેલા દિપાળોની સુંઢો લાંબી થઈ ગઈ . ધરણી થરથરી ઊઠી . પ્રગટેલો હુતાશન થડક પામી આંખો મીંચી રાખ બની ગયો .

સમસ્ત પ્રાણીઓને કર્મદંડ આપનાર યમરાજનો કાળદંડ હાથમાંથી સરી પડ્યો . વિધિની લેખિની હાથમાંથી હેઠા પડી ગઈ . ભોળાનાથની સમાધિ છૂટી ગઈ . હિમ બનેલા ક્ષીરસાગરમાં પોઢેલા નારાયણનો પલંગ ઊંચોનીચો થવા લાગ્યો .

પ્રહમંડળના રથો માર્ગ ભૂલી સામસામા અથડાતાં આકાશમાં પ્રલયકાળ જેવા કડાકા અને વજપાત થવા લાગ્યા .

પ્રાણની ગતિ રૂંધાવાથી પ્રાણીમાત્ર આમતેમ તરફડવા લાગ્યાં .

સૂર્ય અને ચંદ્રની ગતિ થંભી ગઈ , નક્ષત્રના સમૂહો હજારો ઉલ્કાઓ બનીને પૃથ્વી પર ત્રાટકવા લાગ્યા . જડ અને ચેતનની ક્રિયા બદલાઈ ગઈ . 

મહાપર્વતના શિખર પર કૃત્રિમ હાસ્યમાં છુપાયેલો કૃતાંત જાણે હસી રહ્યો . ભયની મૂર્તિ સમા દાનવોના સમૂહો પણ થથરી ઊઠ્યા . 

આજે તો મદાંધ મહિષાસુર ઈંદ્રાદિ દેવોને હરાવી મહાવિજય ઊજવી રહ્યો હતો , અને એ સભામાં એના હાથપગ જેવા મહાઅસુરો મળે વહેંચી રહ્યા હતા .

બલધર , બાલ્કલ , તામ્રમુખ , વિરૂપાક્ષ , દુર્મુખ , બિડાલ , દુર્ધર અસિલોમ , ધુમ્રાક્ષ અને રક્તબીજ આદિ હજારો દાનવો હોંકારા પડકારા કરતા હતા . ભલભલા મહારથીઓનાં હૈયાં ગળી જતાં હતાં . 

ઓચિંતા દિશાઓને કંપાવી મૂકે તેવું ઉગ્ર હાસ્ય સંભળાયું . કેવી એની ઉગ્રતા ! આ ઉગ્ર અટ્ટહાસ્યના પ્રહારથી થાળીમાં મગ થરથરે તેમ મહિસાસુરની સભા ડોલવા લાગી , છાતી થડકવા લાગી અને હાથમાંથી મદ્યનાં પાત્રો ધડાધડ હેઠાં પડી ગયાં . 

અણધારી આફતથી કૃતાંત સમો મહિષાસુર શોકમાં પડી ગયો . એનાં હિંમત અને બળ પાણી પાણી થવા લાગ્યાં . 

ત્રણે લોકમાં મારી સામે કોઈ થનાર જ નથી , એવા ગર્વમાં ગરકાવ થયેલા મહિષાસુરે મોટે અવાજે આજ્ઞા કરી , “ હે દાનવરાજો ! ચોતરફ તપાસ કરો . આવું ભયંકર ઉગ્ર હાસ્ય કોણ કરી રહ્યું છે ? આપણા રંગમાં ભંગ પાડનારને અહીં પકડી લાવો . ”

વછૂટેલા બાણ સરખા વેગવાળા અસુરો ચોતરફ ફરી વળ્યા . ઘડીભરમાં તો આવીને મહિષાસુરને ખબર આપ્યા , “ હે દાનવરાજ ! હિમાલયના મહાશિખર પર સર્વાગે સુંદર એવી એક સ્ત્રી હુંકાર કરી કરીને હસી રહી છે . પણ તે માનવ , દાનવ , નાગ કે દેવ જાતિની સ્ત્રી નથી . તેને અઢાર હાથ છે . કાળની દાઢ જેવાં ઘોર હથિયારો ધારણ કરેલ છે . વિશેષ અજાયબી તો એ છે કે એ સિંહ પર સવાર થયેલી છે . શક્તિના સમૂહ સરખી , પ્રૌઢ , ગંભીર અને રૂપરૂપની સીમા સમાન છે . ”

આ વર્ણન સાંભળી લાલ નેત્રે ગર્જના કરી મહિષાસુર બોલ્યો , “ હે નાદાન દૈત્યો ! તમે એક સ્ત્રીનું આવી રીતે વર્ણન કરતાં શરમાતા નથી ? જલદી જાઓ , જે હોય તેને પકડી આ સભામાં હાજર કરો ! ”

અસુરો આજ્ઞાંકિત હતા . એ મહાશક્તિ પાસે પહોંચ્યા . જઈને આ અસુરો ભીડભંજન ભવાનીને સમજાવવા લાગ્યા , ‘ અમારી સાથે ચાલો , અમારો મહારાજા તમોને પાટવી મહારાણી બનાવશે . તે સાંભળીને નિજ પ્રકૃતિને દબાવી મહામાયા બોલ્યાં , હે રાક્ષસો ! મારે તમોને હણવા નથી. તમારા રાજાને કહો કે તમે સઘળો અસુરવંશ માનવસૃષ્ટિમાંથી પાતાળમાં ચાલ્યા જાઓ . અથવા મને મહારાણી બનાવવા તમો તમારા રાજાને લઈને અહીં ઉતાવળે પાછા આવો .

” બધા દૈત્યોએ વિચાર કર્યો કે આવા માઠા સમાચાર લઈને પાછા જવામાં આપણી શોભા નથી . હવે તો આ સ્ત્રીને પકડી , ચોટલે ઝાલીને લઈ ગયા વગર જીવતર ધૂળ છે . આવો વિચાર કરી મહામાયાને કહેવા લાગ્યા :

હે સહાય વિનાની અબળા ! અમારી સાથે ચાલ , નહિતર અમે તને ઢસરડીને લઈ જશું .

‘ મહા સેનાપતિ તામ્ર નામના દૈત્યે એટલા જ શબ્દો કહ્યા ત્યાં તો ભયંકર ટંકાર સાથે સપક્ષ પન્નગો સમાન ભવાનીનાં બાણ છૂટવા લાગ્યાં . જોતજોતામાં તો એ મહાજ્વાળામુખીના અગ્નિમાં તમામ અસુરો આહુતિ બની ગયો .

મહિષાસુરને આ ખબર પડતાં જ પોતાની પ્રચંડ સેના લઈ એ રણક્ષેત્રમાં આવી પહોંચ્યો . તેના મનમાં બીજો એક વિચાર વમળે ચડેલો કે “ મારા રૂપમાં મોહ પામી આ સ્ત્રી મારે ઘેર આવે . ” આ માટે પાડાનું રૂપ બદલી પોતે સુંદર પુરુષ બન્યો અને રથનો ત્યાગ કરી હસતો હસતો મહાચંડીની તદ્દન પાસે આવ્યો . તેને જોઈ જોગમાયા અપમાનયુક્ત હસ્યાં ને બોલ્યાં :

થંભી જાજે , દુષ્ટ ! ત્યાં જ ઊભો રહેજે ! રૂપવાન બનીને આવેલ હે અધમ રાક્ષસ ! તારો જન્મ ભેંશને પેટે છે , તેં ધર્મના માર્ગનો વિનાશ કરેલ છે , એટલે તારો નાશ કરવા હું પરમ પ્રકૃતિ અહીં આવી છું . જે હાથની તું માગણી કરે છે એ જ હાથે તારું હમણાં જ મૃત્યું છે . હે દુષ્ટાત્મા ! મને હિંસા ગમતી નથી . હું તો જગતમાતા છું , પણ તારા જેવા ધર્મધ્વંસી મારા હાથ લોહિયાળા કરે છે . હજુ કહું છું કે તારા સમસ્ત પરિવાર સહિત પાતાળમાં જતો રહે . આ પુણ્યભૂમિ તો માનવો માટે છે . બોલ , પાતાળમાં જવું છે કે મારા ખપ્પરમાં સમાવું છે ? ‘

સિંહ જેવી ગર્જના કરી મહિષાસુર બોલ્યો : ‘ ત્રિલોકનો વિજેતા એક સ્ત્રીથી ડરીને પાછો ફરે ! એ કદી ન બને . મારા નામ અને પરાક્રમની તને ખબર નથી . રે અબલે ‘

ચંડી ખડખડાટ હસ્યાં અને બોલ્યાં : ‘ હે રાક્ષસ ! તું જેના વરદાનથી ત્રિલોકનો વિજેતા થયો છે , બ્રહ્માના એ જ લેખપત્રમાં તેં માગી લીધું છે . કે સ્ત્રીના હાથથી ભલે મારું મૃત્યુ થાય . ” હું તારા એ કોલકરાર સાચા કરવા આવી છું . હજુ કહું છું કે તું અસુરલોકમાં જતો રહે . ”

જેની ખોપરી અને જીવ બંને પર કાળ મહારાજનો પંજો પડ્યો છે એવો મહિષાસુર લડવા તૈયાર થયો . જોતજોતામાં રાક્ષસ ધરતી ચાટતો થઈ ગયો , અને અગ્નિમાં પતંગિયાં હોમાય તેમ સર્વ અસુરો મહામાયાના કોપમાં ભસ્મ બન્યાં .

ભયથી ત્રાસેલા દેવોનાં દુંદુભિ વાગ્યાં , સિંહ ગર્જી ઊઠ્યા અને આકાશના અવકાશને ચીરી નાખે એવા કોટિ ધ્વનિથી બ્રહ્માદિ દેવો માને નમી પડી સ્તુતિ કરવા લાગ્યા :

                                                                                                            હે માં !

                                                                                       ” तामम्बिकामखिलदेवमहर्षि पूज्यां ,

                                                                                  भक्त्यानता : स्म विदधातु शुभानि सा नः ” ।

સર્વ દેવોને અને મુનિગણોને સેવવા લાયક હે જગતજનની ! અમે તને નમીએ છીએ , કારણ કે નમેલાઓનું તું સદા રક્ષણ કરે છે .

‘ મા એ તો મા જ છે . એણે પહેલાં જ કહી દીધું કે હું તો જનેતા છું , મને સંહાર ગમતો નથી . તે અસુરો ! તમે પાતાળમાં ચાલ્યા જાવ , આ તો માનવીઓ અને ઋષિમુનિઓને વસવા લાયક ધર્મપ્રદેશ છે , તમો અહીં ધર્મનો નાશ કરો તો હું તમોને હણીશ . ‘

અંધપરંપરાની ખૂબી તો જુઓ ! પાડા સ્વરૂપવાળા મહિષાસુરે યોગમાયાને અપમાનિત કરી તેનો સામનો કર્યો એટલે માનવીઓએ એ વેર નિર્દોષ પાડજાત ઉપર વાળ્યું – જેમ એક તક્ષક નાગ રાજા પરીક્ષિતને ડભ્યો એટલે સમસ્ત નાગકુળોને અગ્નિમાં હોમ્યાં .

                                                             આ પ્રસંગ પરથી ચારણી ચરજના ઢાળનું “ મછરાળી મોગલ ” ગીત લખાયું છે .                                                                              

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો