૭૦. સંત કરે ઉપદેશ
ક્લેશ શબ્દ જગતને કડવું ઝેર બનાવી દીધું છે . જ્યાં સદા ક્લેશનો વાસ હોય છે , તે જગત અને જીવન કાળાં મેશ બની જાય છે . ક્લેશમાંથી મહા ક્રોધ અવતરે છે , જે લાજ – શરમ છોડાવીને વિનાશને પંથે વાળે છે ;
અને પરિણામે ઈશ્વર – અંશ આત્મા પ ૨ કાળું ઓઢણું પડી જાય છે . વાળ ધોળા થાય છે , પણ પાપથી કાળો બનેલો પડદો ઊજળો બનતો નથી . જીવન કૃત્રિમ બનવાથી કયાંય શાંતિ મળતી નથી . સ્વર્ગ અને મુક્તિ પણ કડવાં ઝેર બની જાય છે . કજિયાનું વ્યસન થઈ જવાથી , ચાનો બંધાણી જેમ હોટેલ શોધી કાઢે છે , એમ ક્લેશયુક્ત મનુષ્ય તકરાર શોધી કાઢે છે . એની વાણી . સાપના ફૂંફાડા જેવી બની જાય છે . આ બધા અનર્થોનું કારણ બીજી કોઈ ધૂળ વસ્તુ છે અને તે – અહંકાર , લોભ , જમીન , લક્ષ્મી અને અક્કલ . આ પાંચે વસ્તુ સંત વિનોબા પ્રેમથી લઈ લે છે અને રાક્ષસ બનેલા માનવીને સાચો માણસ બનાવે છે .
( પગ મને ધોવા દ્યો , રઘુરાયજી ! .. – એ રાગ )
ભાઈ ! જ્યાં કાયમ હોય કલેશજી ..
કાયમ હોય ક્લેશ , ભાઈ ! એનું જીવન કાળું મેશ ભાઈ : ટેક
ક્લેશમાંથી ક્રોધ અંગડે વાધે છે વિશેષજી … ( ૨ ) ;
શરમ સઘળી સિધાવે ને ( ૨ ) , લાજે નહિ લવલેશ ભાઈ ! … ૧
ઈશ્વર અંશ આતમ એનો બદલી બેઠો વેશજી … ( ૨ ) ;
બૂઢાપણામાં એ ન બદલ્યો ( ૨ ) , ધોળા થઈ ગ્યા કેશ ભાઈ ! … ૨
જીવનમાં એને જશ ન મળે , શાંતિનો અવશેષજી … ( ૨ ) ;
સ્વર્ગ પણ એને ખારું લાગે ( ૨ ) , મીઠો નહિ કોઈ દેશ ભાઈ ! … ૩
કંકાસને એ ગોતી કાઢે , ફૂફાડો જેમ શેષજી … ( ૨ ) ;
‘ કાગ ’ એવા આસમાને ( ૨ ) , સંત કરે ઉપદેશ ભાઈ ! … ૪
( મજાદર , તા . ૨૬-૮-૫૬ )